Surat News: લીંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી ઝંપલાવી યુવકનો આપઘાત,પોલીસ તપાસ શરુ

સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે આજે એક યુવક આવ્યો હતો અને તે ચાર માળના પોલીસ મથકના ટેરેસ પર પહોચી ગયો હતો અને ટેરેસ પર પહોચ્યા બાદ યુવકે નીચે ઝંપલાવી દીધું હતું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 24 Nov 2025 02:54 PM (IST)Updated: Mon 24 Nov 2025 04:39 PM (IST)
surat-news-man-dies-by-suicide-after-jumping-off-limbayat-police-station-terrace-643642

Surat News: સુરતના લીંબાયત પોલીસ મથકના ટેરેસ પરથી એક યુવકે કુદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. યુવક ટેરેસ પરથી નીચે કુદતા તેને ગંભીર ઈજા થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ કરવા સહિતની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે આજે એક યુવક આવ્યો હતો અને તે ચાર માળના પોલીસ મથકના ટેરેસ પર પહોચી ગયો હતો અને ટેરેસ પર પહોચ્યા બાદ યુવકે નીચે ઝંપલાવી દીધું હતું. ટેરેસ પરથી પડ્યા બાદ યુવકને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ મૃતક 35 થી 40 વર્ષીય યુવક પોલીસ સ્ટેશન ફરિયાદ કે રજૂઆત કરવા આવ્યો હશે અને ત્યારબાદ તે અચાનક ટેરેસ પર પહોચી ગયો અને ત્યાંથી ઝંપલાવી દીધું હતું. પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ લિંબાયત પોલીસ દ્વારા યુવકની ઓળખ સહિત તેના પરિવાર સુધી પહોંચવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. પરિવાર સહિતની વિગત આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે.

પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતના પગલે ચકચાર મચી છે, પોલીસની હાજરીમાં આ યુવક ટેરેસ પર કઈ રીતે પહોંચી ગયો તે એક મોટો સવાલ છે. હાલ તો એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

એસીપી વીએમ જાડેજાના જણાવ્યું હતું કે લીંબાયત પોલીસ સ્ટેશનમાં આજે સવારે 9 થી 9.30 વાગ્યાની આસપાસ એક અજાણ્યો વ્યક્તિ પોલીસ મથકે આવ્યો હતો અને પીએસઓ પાસે આવીને જે રીતે વાત કરતો હતો જેથી તે માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું. ત્યારબાદ તે નીચે ઉતરે છે અને ફરી વાર આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે પણ શું ફરિયાદ કરવી છે તે તેની વાત પરથી સ્પસ્ટ થતું ન હતું.

તે બાથરૂમ જાવ છું તેમ કહીને બાથરૂમ તરફ ગયો હતો અને તે દરમ્યાન ઉપર પતરાનું કામ ચાલુ હતું અને અગાસીનો દરવાજો ખુલ્લો હતો. તે દાદરા ચડીને ઉપર જાય છે જેથી પોલીસને ખ્યાલ આવે છે કે તે ઉપર ગયો છે જેથી તેની પાછળ જાય છે. એ દરમ્યાન તે વ્યક્તિ અગાસી પરથી જંપ મારીને ત્યાંથી કુદી જાય છે અને ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં જણાવ્યું હતું કે અસ્થિર મગજનો વ્યક્તિ જે રીતનું વર્તન કરે એ રીતનું એનું વર્તન હતું, યુવક પોલીસ મથકે એકલો જ આવ્યો હતો. તેણે પોતાનું નામ અંબાલાલ જણાવ્યું હતું અને તે લીંબાયત વિસ્તારમાં રહેતો હોવાનું એકવાર જણાવ્યું હતું અને બીજી વાર બીજા વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું ,એટલે તે ક્યાં વિસ્તારનો રહેવાસી હતો તે પણ સ્પસ્ટ જણાવ્યું ન હતું હાલ તેની ઓળખ કરવાની દિશામાં તપાસ હાથ ધરાઈ છે.