Surat: સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને SIRની કામગીરી માટે BLO તરીકે ફરજ બજાવતા મહિલાનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઓલપાડ તાલુકાના માસમા ગામમાં રહેતા ડિન્કલ શિંગોડાવાળા સુરત મનપામાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. જેમને SIR કામગીરી અંતર્ગત BLO તરીકેની ફરજ સોંપવામાં આવી હતી. આજે સવારે ડિન્કલ શિંગોડાવાળા પોતાના ઘરે બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
આ બાબતની જાણ થતાં પરિવારના સભ્યો તાત્કાલિક ડિન્કલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યાં હતા. હજુ સુધી મહિલા BLOના મોતનું કારણ સ્પષ્ટ નથી થયું. મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ તેમના મોતનું સાચુ કારણ સામે આવી શકશે. બીજી તરફ મહિલાના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હોસ્પિટલ બહાર પરિવારના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ જવા પામી છે.

આ અંગે પ્રાંત અધિકારી નેહાબેને જણાવ્યું કે, મૃતક ડિન્કલ શિંગોડાવાળા (26) શાહપોર બુથમાં BLO તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ખૂબ જ સારી રીતે પોતાની ફરજ બજાવતા હતા. ડિન્કલ શિંગોડાવાળાએ BLO તરીકે પોતાની 46 ટકા જેટલી કામગીરી કરી નાંખી હતી.
પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, ડિન્કલ શિંગોડાવાળાના બાથરૂમમાં વેન્ટેલેશન નહતું અને ગીઝરના કારણે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. થોડા સમય બાદ તેઓને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

