Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 12 કલાકમાં બે અંગદાન થયા છે. વધુ એક સફળ અંગદાન અંતર્ગત ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. મૂળ ઓડિશાવાસી અંગદાતાનો પરિવાર ઓડિશા રહેતો હોવાથી નવી સિવિલની ટીમ, SOTTOના સભ્યો, ઓડિશા સમાજ પરિવારના સહકારથી બે દિવસના સતત પ્રયત્નો અને સમજણ બાદ આ પરિવારે પોતાના પ્રિયજનના અંગદાન માટે સહમતિ આપતા બે દિવસમાં કુલ છ દર્દીઓને નવા જીવનની આશા મળી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડના મહત્તમ કિસ્સાઓમાં અંગદાન થઈ રહ્યા છે. ત્યારે આજે મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના બેગુનિયાપાડા ખલીકોટના આમ્બઝર નુઆપલ્લી સ્થિત રહેતા પ્રધાન પરિવારના 39 વર્ષીય બ્રેઈનડેડ પંચુભાઈ કબિરાજના લીવર અને બે કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી 12 કલાકમાં બે અંગદાન સાથે આજે 85મુ સફળ અંગદાન થયું છે.
મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના બેગુનિયાપાડા ખલીકોટના આમ્બઝર નુઆપલ્લીના વતની અને હાલ કામરેજના પરબગામની શુભ સોસાયટીમાં રહેતા પંચુ પ્રધાન તા.17મી નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે શરીર સંતુલન ગુમાવતા પડી ગયા હતા. સ્થાનિક જાગૃત નાગરિકે કંપનીમાં કામ કરતા સહકર્મચારી સોમનાથભાઈ કોલ કરીને જાણ કરી હતી. સોમનાથભાઇ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધાર ન જણાતા વધુ સારવાર અર્થે 108માં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યા તેમની ગંભીર હાલત હોવાથી ઈમરજન્સી વાર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર બાદ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
તા.21મી નવેમ્બરના રોજ બપોરે આર.એમ.ઓ ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.પ્રયાગ મકવાણા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ પંચુને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખના માર્ગદર્શન હેઠળ ઓડિશા સમાજના અગ્રણીઓનો સંપર્ક કરી કાઉન્સેલિંગ સાથે સમજણ આપવાનું નક્કી કરાયું હતું.
વિશેષ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે મૃતકના પત્નીની સહમતિ લેવી જરૂરી હોય છે. બ્રેઈનડેડના પત્ની ઓડિશા ખાતે 11 વર્ષીય દિકરી રૂપાલી અને ચાર મહિનાના દિકરા રોશન સાથે રહે છે. જેથી ડો.નિલેશ કાછડિયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, ડો.કેતન નાયક તથા ઓડિશા સમાજના અગ્રણી શ્રીકાંત રાઉતે સહિતના અગ્રણીઓએ બ્રેઈનડેડ પંચુભાઈના પત્ની અને ભાઈ સહિત પરિવાર સાથે સતત સંપર્કમાં રહીને અંગદાન બાબતે સમજણ આપી હતી. IEC–SOTTO ઓડિશાના પ્રતિનિધિ સુમને ઓડિશા સ્થિત નિવાસસ્થાને રહેતા પત્ની રજની પંચુ પ્રધાનને ઉડીયા ભાષામાં અંગદાનની સમજણ આપી તેની લેખિત અને વિડીયોગ્રાફી કરી સહમતિ મેળવી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
અંગદાન પ્રક્રિયામાં જિલ્લા પોલીસનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતુ. જેના કારણે સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી અને સરળતાથી પૂર્ણ થઈ. ઓડિશા સરકાર દ્વારા પણ જરૂરી દસ્તાવેજો માટે સહયોગ મળ્યો હતો.
નવી સિવિલના પ્રતિનિધિઓએ બે દિવસ સુધી પરિવાર સાથે કાઉન્સેલિંગ કર્યું. આ 48 કલાકના પ્રયત્નો બાદ પરિવાર અંગદાન માટે તૈયાર થયો અને સમંતિ આપતા અંગદાન બાદ લીવર, બે કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમ, માત્ર 12 કલાકમાં બીજું સફળ અંગદાન થવાથી કુલ 6 દર્દીઓને નવજીવન મળશે.

