Bangladesh Earthquake Updates: બાંગ્લાદેશમાં ભૂકંપના સતત આંચકાથી લોકો ભયભીત છે. ભૂકંપના કારણે 10 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. છેલ્લા 32 કલાકની અંદર, 5.7 અને 3.7 તીવ્રતાના ભૂકંપ સહિત ઘણા આંચકા અનુભવાયા છે. નિષ્ણાતોના મતે આ કોઈ મોટા ભૂકંપના આવવાના સંકેતો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઢાકા વિશ્વના સૌથી સંવેદનશીલ શહેરોમાંનું એક છે.
શુક્રવારથી શનિવાર સુધી સતત આંચકા
શુક્રવારની સવારે 5.7 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની અસર બાંગ્લાદેશની રાજધાની ઢાકા સહિત અનેક જગ્યાએ જોવા મળી હતી. આ દરમિયાન 10 લોકોના જીવ ગયા હતા. આ ઘટનાને 24 કલાક પણ પૂરા થયા નહોતા કે શનિવારની સવારે બાંગ્લાદેશમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા. આ પછી શનિવારની સાંજે સતત બે વખત ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ગભરાહટ ફેલાયો હતો.

બાંગ્લાદેશ હવામાન વિભાગ (BMD) અનુસાર ભૂકંપનું કેન્દ્ર ઢાકાના બડ્ડામાં જમીનની નીચે નોંધાયું હતું, જેની તીવ્રતા 3.7 હતી. બડ્ડા એક ગીચ વસ્તીવાળો વિસ્તાર છે. જ્યારે 4.3ની તીવ્રતાવાળા બીજા આંચકાનું કેન્દ્ર બડ્ડાને અડીને આવેલા નરસિંગડીમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું. આ આંચકાઓ સતત 25 સેકન્ડ સુધી અનુભવાતા રહ્યા હતા.
BMDના પ્રવક્તા તારિફુલ નવાઝ કબીરના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં, તે લાંબા સમય સુધી અનુભવાયા હતા. આ આંચકાઓને કારણે બાંગ્લાદેશમાં ઘણી ઇમારતોમાં તિરાડો પડી ગઈ છે.
નિષ્ણાતોએ શા માટે એલર્ટ જાહેર કર્યું?
બાંગ્લાદેશ ટેકટોનિક પ્લેટોના જોઇન્ટ પર સ્થિત છે. આ સ્થિતિમાં નિષ્ણાતો અહીં લાંબા સમયથી કોઈ મોટા ભૂકંપ આવવાની ચેતવણી આપી રહ્યા છે. ખાસ કરીને ઢાકા ભૂકંપની દ્રષ્ટિએ વિશ્વના 20 સૌથી સંવેદનશીલ શહેરોની યાદીમાં સામેલ છે. વધુમાં આ શહેરમાં જર્જરિત ઇમારતો અને ગીચ વસ્તીના કારણે વધુ નુકસાન થઈ શકે છે.

