Agriculture: પ્રાકૃતિક કૃષિ કુદરતી આફતો સામે ખેડૂતોનું 'જીવનરક્ષક કવચ' સાબિત થઇ રહ્યું છે

પ્રાકૃતિક કૃષિ એ પરંપરાગત અને રસાયણ મુક્ત ખેતી પદ્ધતિ છે, જે કુદરતી ચક્ર પર આધારિત છે. આ પદ્ધતિમાં 'જીવામૃત' અને 'આચ્છાદન' (મલ્ચિંગ) જેવા મુખ્ય આયામો અપનાવવામાં આવે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 23 Nov 2025 03:17 PM (IST)Updated: Sun 23 Nov 2025 03:17 PM (IST)
natural-agriculture-is-proving-to-be-a-life-saving-shield-for-farmers-against-natural-disasters-643075

Natural Farming: આજના સમયમાં, સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તનના ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. અનિયમિત વરસાદ, અતિવૃષ્ટિ, અણધાર્યા વાવાઝોડા અને ગરમીના મોજા જેવી કુદરતી વિપરીત આપત્તિઓ હવે સામાન્ય બની ગઈ છે.

રાસાયણિક ખેતી પર નિર્ભર ખેડૂતો માટે આ આફતો બેવડો માર સાબિત થાય છે, કારણ કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી નબળી પડેલી જમીન આ આઘાત સહન કરવાની ક્ષમતા ગુમાવી દે છે. પરિણામે પાક નિષ્ફળ જાય છે, દેવું વધે છે અને ખેડૂત સમુદાય હતાશામાં ગરકાવ થાય છે. આ સંજોગોમાં, એક એવી કૃષિ પદ્ધતિની તાતી જરૂરિયાત ઊભી થઈ છે જે માત્ર ઉત્પાદન જ ન આપે, પણ કુદરતી આફતો સામે ખેતર અને ખેડૂતને સુરક્ષા પણ પ્રદાન કરે.

પ્રાકૃતિક કૃષિ: પર્યાવરણ મિત્ર અને સંકટ સહાયક

પ્રાકૃતિક કૃષિ એ પરંપરાગત અને રસાયણ મુક્ત ખેતી પદ્ધતિ છે, જે કુદરતી ચક્ર પર આધારિત છે. આ પદ્ધતિમાં 'જીવામૃત' અને 'આચ્છાદન' (મલ્ચિંગ) જેવા મુખ્ય આયામો અપનાવવામાં આવે છે. જીવામૃત જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધારે છે, જે જમીનને જીવંત, છિદ્રાળુ અને ભરભરી બનાવે છે. ભરભરી જમીન પાણીને શોષવાની અને લાંબા સમય સુધી ભેજ જાળવી રાખવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આ જ ગુણધર્મો પ્રાકૃતિક કૃષિને કુદરતી આફતો સામે 'અડીખમ' બનાવે છે. ખેતીનો ખર્ચ ઘટાડી, ખેડૂતને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો પ્રાકૃતિક કૃષિનો સિદ્ધાંત તેને વધુ પ્રેરક બનાવે છે.

પાકને જીવંત રાખવામાં મદદરુપ નિવડે

પ્રાકૃતિક કૃષિનું સૌથી મોટું પ્રેરક પાસું તેની અનુકૂલનક્ષમતા છે. જ્યારે અતિ વૃષ્ટિ થાય છે, ત્યારે રાસાયણિક ખેતરમાં પાણી ભરાઈ રહે છે અને પાક સડી જાય છે. પરંતુ પ્રાકૃતિક ખેતરોની ભેજ ધારણ ક્ષમતા વધુ હોવાથી, વધારાનું પાણી ઝડપથી જમીનમાં ઉતરી જાય છે, જળસંચય થાય છે અને પાકને નુકસાન થતું અટકે છે. બીજી તરફ, દુષ્કાળના સમયમાં, આચ્છાદનને કારણે જમીનનો ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે, જેનાથી છોડને પાણીની અછતનો ઓછો સામનો કરવો પડે છે. અળસિયા દ્વારા તૈયાર થતા કુદરતી 'છીદ્રો' પણ જમીનના ઊંડા સ્તરો સુધી પાણી અને હવા પહોંચાડીને પાકને જીવંત રાખવામાં મદદરૂપ થાય છે.

કુદરતી આફત સામે રક્ષણ આપે

કુદરતી આફત સામે માત્ર પાકને બચાવવો જ નહીં, પણ ખેડૂતને આર્થિક રીતે પણ મજબૂત કરવો જરૂરી છે. પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતર, જંતુનાશક અને મોંઘા બિયારણોની જરૂર ન હોવાથી ખેતી ખર્ચ લગભગ શૂન્ય થઈ જાય છે. મુખ્ય પાકની સાથે મિશ્ર પાક પદ્ધતિ અપનાવવાથી ખેડૂતને વિવિધ પાકોમાંથી સતત આવક મળતી રહે છે, જે આકસ્મિક આફતો સમયે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. આત્મનિર્ભરતાના આ મોડેલથી ખેડૂત દેવાના ચક્રમાંથી મુક્ત થાય છે અને સન્માનભેર જીવન જીવી શકે છે. ટૂંકમાં, પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ કુદરતી આફતોના યુગમાં ખેડૂત માટે જીવન રક્ષક કવચ અને આર્થિક સ્થિરતાનો માર્ગ છે.